તું મારી સાથે નહીં રમે ? – હરિશ્ચંદ્ર
બાળપણમાં મારો સૌથી વહાલો ગોઠિયો હતો – મનુ. અમારા બાગના માળીનો, છ-સાત વર્ષનો મનુ ને હું સમોવડિયા હતા. એટલે અમે સાથે રમતા, સાથે ફરતા ને તોફાન-મસ્તીમાંયે સાથે જ રહેતા. અમારા બાગમાં ઘણાં બધાં ફળઝાડ હતાં. પણ ખોટ હતી માત્ર મીઠી દાડમડીની ! એમ તો દાડમડીઓ યે હતી – પણ ખાટી હતી, મીઠી ન હતી.
એક દા’ડો અમે નદીમાં નાહી રહ્યા હતા, તરી રહ્યા હતા ને એકમેક પર પાણી ઉડાડી રહ્યા હતા. ત્યારે મેં કહ્યું : ‘અલ્યા ચાલ ને, ઠાકોરના બાગમાં પેસીને મીઠાં દાડમ લઈ આવીએ.’
‘જા, જા. ઠાકોર તો મારી નાખે એવા છે.’ મનુએ ના પાડી.
‘પણ એ તો બંગલામાં હશે. એ ક્યાં જોવા આવવાના છે ?’ મેં સાતેક વર્ષની મારી બાળબુદ્ધિનું પ્રદર્શન કયું.
‘પણ તારો કાકો માળી તો ત્યાં હશે ને. ઠાકોરનો માળી તો એવો છે ! મારા બાપા કહેતા હતા…..’
‘મનુડા, તું તો બહુ બીકણ. એના કરતાં એમ કહે ને કે હું ડરું છું.’ મેં પાનો ચડાવ્યો. મારું મહેણું મનુના હાડોહાડ વ્યાપી ગયું. તેણે પડકાર ફેંક્યો, ‘કોણ ડરે છે તું કે હું ? ચાલ ત્યારે, તારે ય જોવું હોય તો.’
અને અમે ઊપડ્યા. તારની વાડ કૂદીને અમે બાગમાં ઘૂસી ગયા. હરણની જેમ ઝટપટ ઠેકડા મારતા અમે એક દાડમડી પર ચડી ગયા. ને મીઠાં મીઠાં દાડમ તોડવા માંડ્યા. કેટલાયે દા’ડાથી એ દાડમ પર અમારી નજર હતી. દાંતથી છોલીને મેં ખાવા માંડ્યું, ‘વાહ ! કેવું મીઠું છે ! આપણા બાગમાં છે, પણ કેવા ખાટાં !’ સારી પેઠે અમે દાડમથી ગજવાં ભર્યાં, ‘ચાલ, મનુ ! હવે જતા રહીએ. નહીં તો માળી આવી જશે,’ એમ કહું છું ત્યાં તો એક ભારે પંજો મારી પીઠ પર પડ્યો. મનુને પણ ગળેથી ઝાલ્યો હતો. અમે બંને રડવા લાગ્યા. અમારાં ખીસામાં દાડમ હતાં. બાગની સામે નદી ખળખળ કરતી વહી રહી હતી. નદીનું ચમકતું પાણી લહેરો લેતું નિર્ભયપણે મોકળા મને વહી રહ્યું હતું. ત્યારે અમે માળીના હાથમાં સપડાઈ ગયા હતા. અમને ચાવડીમાં પૂરી દેવામાં આવ્યા. આખા ગામમાં વાત પ્રસરી ગઈ. વર્ષો લગી નહીં બનેલો બનાવ બન્યો હતો ને !
એક કલાક થયો, બે કલાક વીતી ગયા, સાંજ પડવા આવી. ચાવડીની અંદર અમે રડી રહ્યા હતા. ત્યારે ચાવડીનું બારણું ઊઘડ્યું અને મારી બા રોતી-રોતી અંદર આવી. પાછળ મારા બાપુ હતા. લપક લઈને બાએ મને છાતીએ વળગાડી દીધો. ડૂસકાં ભરી-ભરી બા રડી રહી હતી – મારું મોં ચૂમી રહી હતી. હું યે રડી રહ્યો હતો ને મનુ યે. બાપુએ મારી આંગળી પકડી લીધી ને કહ્યું, ‘ચાલ , ઘેર ચાલ.’ હું બાપુજીની સાથે ધીરે ધીરે ચાલવા લાગ્યો. મનુ પાછળ પાછળ આવતો હતો. એકાએક બાપુના પગે ચીપકીને એ બોલી ઊઠ્યો, ‘કાકા, મને ય અહીંથી લઈ જાઓ ને !’
પાછા ફરીને બાપુએ એને લાત મારી. ધમ દઈને મનુ ભોંય પર પછડાયો. એ ફરી ઊભો થયો ત્યારે બાએ જોરથી તમાચો મારી તેને કહ્યું : ‘બદમાશ ! મારા છોકરાને ખોટે રવાડે ચડાવે છે. એને બૂરી લત શીખવે છે.’
‘તને ક્યારનું યે કહ્યું છે,’ બાપુ બાને વઢી રહ્યા હતા, ‘આવા જોડે છોકરાને રમવા ન દે પણ મારું સાંભળે તો ને !’
‘ડૉક્ટર સાહેબ,’ થાણેદાર બોલ્યો, ‘ઠાકોર સાહેબના ડૉક્ટર છો એટલે ! નહીં તો આપ જાણો છો કે બાગમાં ચકલુંયે નથી ફરકી શકતું !’
મને તો બાપુ લઈ આવ્યા. પણ મનુને માટે ચાવડીનો દરવાજો બંધ થઈ ગયો હતો ! રાત પડી ત્યારે મેં જોયું તો મનુ ઘેર આવી ગયો હતો. મને આશ્ચર્ય થયું. એના બાપની તો હિંમત નો’તી ચાલી. પણ એની બા ચાંદીનાં કડાં ગીરવે મૂકી, દસ રૂપિયા લઈ થાણેદાર કને ગઈ હતી અને મનુને છોડાવી લાવી હતી. મનુને મેં જોયો ત્યારે એ એની ખોલી પાછળ ગુલાબની ઘટા આગળ, ઊભો ઊભો કંઈક વિચારી રહ્યો હતો.
એને જોઈ હું રાજી થયો. હું દોડતો દોડતો એની પાસે ગયો ને એને બાઝી પડ્યો. મેં કહ્યું :
‘ચાલ, મનુ ! રમવા જઈએ.’
પણ મનુ ચૂપ રહ્યો. કશું યે બોલ્યો નહીં-ચાલ્યો નહીં. મેં લાલચ આપતાં કહ્યું, ‘ચાલ શરત બકીએ. પેલા ઝાડે દોડીને જે વહેલો પહોંચે તેને પાંચ પૈસા મળે.’ પાંચ પૈસા ! પાંચ પૈસા ! હરણ-ફાળે દોડતા મનુને માટે આ શરત રમતવાત હતી. એટલેસ્તો એકાદપળ એની આંખ ચમકી ગઈ. પણ પછી તરત એણે નન્નો ભણ્યો.
‘મનુ, પણે આંબા પર કેરીને બે સાખ લટકે છે. ચાલ ને લઈ આવીએ. એક તારી ને એક મારી.’
પણ તો યે મનુએ માથું ધુણાવ્યું.
‘ચાલ ત્યારે, મારે ઘેર. તને બિસ્કીટ આપું.’ એની તરફ મારો હાથ લંબાવતાં મેં સસંકોચ પૂછી નાખ્યું, ‘મનુ, તું મારી સાથે નહીં રમે ? તું મારો દોસ્તાર નથી ?’
મનુનો હાથ જરા આગળ લંબાયો પણ પછી પાછો ખેંચાઈ ગયો. બે-ત્રણ વાર એણે કંઈક કહેવાનો પ્રયાસ કર્યો. જીભ ઉપરતળે થતી હતી – પણ લોચો વળતો નો’તો. મહામહેનતે રૂંધાયેલા અવાજે આખરે તેણે કહ્યું : ‘ના ભાઈ ! તું રહ્યો દાક્તર સાહેબનો દીકરો ! ને હું માળીનો ! તારી ને મારી તે વળી દોસ્તી કેવી ?’ આટલું કહેતાં કહેતાં યે આંખમાં આવેલાં ઝળઝળિયાં લૂછતો એ હળવે રહીને પાછો વળ્યો ને ઘરમાં ભરાઈ ગયો.
(શ્રી કૃષ્ણચંદ્રની હિંદી વાર્તાને આધારે, ‘વીણેલાં ફૂલ’ પુસ્તક (યજ્ઞપ્રકાશન, વડોદરા)માંથી સાભાર.)
No comments:
Post a Comment